૬ સપ્ટેમ્બર - રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ

 

૬ સપ્ટેમ્બર - રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ

---

સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી એટલે પુસ્તકો

---

માહિતી અને પ્રસારણ વિભાગના સાહિત્યમાં રસ લેતા અભ્યાસવાંચ્છુઓ અને વિદ્યાર્થીઓ

---

જ્ઞાનના પરબ સમાન રાજપીપલા નગરના ગ્રંથાલયમાં જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરતા જીજ્ઞાસુઓ

----

સ્વામી વિવેકાનંદ સાર્વજનિક પુસ્તકાલયમાં ૫ હજારથી વધુ પુસ્તકોનો સમાવેશ

----

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરીનું મહત્વ વધ્યું

----

દૈનિક ધોરણે ૭૦ થી વધુ વાંચકો લાયબ્રેરીનો લાભ લે છે : કેટલાંય વિદ્યાર્થીઓ સરકારી વિભાગોમાં પસંદગી પામ્યા

----

આલેખન - રોશન સાવંત

----

રાજપીપલા, શુક્રવાર :- પુસ્તકાલય એ જ્ઞાનનું પરબ છે. અહીં અનેક જીજ્ઞાસુઓની જ્ઞાન પીપાસાની તૃપ્તિ થાય છે. કોઈ શહેરનું મૂલ્યાંકન કરવું હોય તો ત્યાં કેટલા પુસ્તકાલય છે ? તેમાં કેટલાં પુસ્તકો છે ? તે પણ એક માપદંડ હોવો જોઈએ. આ બાબતમાં રાજપીપલા નગર સદભાગી છે કે અહીં બે ગ્રંથાલય કાર્યરત છે. તે પૈકીનું એક સ્વામી વિવેકાનંદ સાર્વજનિક પુસ્તકાલય. વાંચકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થતી આ લાયબ્રેરીમાં ૫ હજારથી પણ વધુ પુસ્તકોમાં જ્ઞાનનો ભંડાર છૂપાયેલો છે. 

છેલ્લા કેટલાંક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરીનું મહત્વ વધ્યું છે, જેનો લાભ નર્મદા જિલ્લાના શહેરી-ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ લઈ રહ્યાં છે. લાયબ્રેરીના શાંત વાતાવરણના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વિદ્યાર્થીઓ-વાંચકો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા/રિડિંગ ટેબલ્સ, શૌચાલય-પાણીની સુવિધા ઉપલબ્ધ છે. કેટલાંય વિદ્યાર્થીઓ લાયબ્રેરીનો લાભ લઈને પોલીસ વિભાગ સહિત સરકારના અનેક વિભાગોમાં પસંદગી પામ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ, યુવાનો તથા લોકોને વાંચન પ્રવૃત્તિમાં રૂચિ કેળવવા દર વર્ષે ૬ સપ્ટેમ્બરને "રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પણ વાંચન રસિકો માટે રોજગાર સમાચાર, સરકારની જનહિતલક્ષી યોજનાકિય સાહિત્ય, કામગીરી, ઉપલબ્ધિઓ-સિદ્ધીઓ, ભાવિ આયોજન અંગેના સાહિત્ય તેમજ આદિવાસી સમુદાયની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ભવ્ય “આદિવાસી સાંસ્કૃતિક વારસો”, “આદિવાસી ઓળખ” જેવા અનેકવિધ સાહિત્ય બહાર પાડવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પ્રકાશિત થતા પાક્ષિકો, સાહિત્યને પણ પ્રાથમિકતા આપી રહ્યાં છે.

આદિવાસી સમુદાયની ભવ્ય અને અનોખી જીવનશૈલી, ધાર્મિક ઉત્સવો, સામાજિક તહેવારો, પહેરવેશ, પરંપરાગત આહાર તેમજ સરકાર દ્વારા આદિવાસી કુટુંબોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ, પીવાનું શુદ્ધ પાણી, રસ્તાઓ, વીજળી, રોજગાર સહિતની અનેકવિધ ક્ષેત્રે થયેલ કામગીરીને અગ્રતા આપીને આદિવાસી ઉત્કર્ષની દિશામાં નક્કર પગલા લેવાયા છે. જે અંગે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પ્રકાશિત થતા માહિતીસભર સાહિત્ય વાંચન-સાહિત્ય પ્રેમીઓ, અભ્યાસવાંચ્છુઓ અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નિવડી રહ્યાં છે. જે ગ્રંથાલયોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગ્રંથાલયમાં સરકારી સાહિત્ય સહિત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ સહિત વિવિધ પ્રકાશનોના ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, અર્થશાસ્ત્ર, બંધારણ સહિતના મોંઘામાં મોંઘા પુસ્તકો ઉપલબ્ધ છે. જેનો લાભ લઈને કેટલાંય વિદ્યાર્થીઓ પોલીસ, આરટીઓ સહિતના વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામ્યા છે. શ્રેષ્ઠ પુસ્તકોનો ભંડાર ધરાવતી આ લાયબ્રેરીમાં ૫૦ થી વધુ વાંચકો સભ્યપદ ધરાવે છે તેમજ દૈનિક ધોરણે ૭૦ થી વધુ વાંચકો લાયબ્રેરીનો લહાવો લે છે. 

ગ્રંથાલયમાં વાંચકો નિયમિત ધોરણે ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ સહિતના અખબારો તેમજ રુચિ પ્રમાણે નોવેલ્સ, પ્રવાસ, ધાર્મિક, આધ્યાત્મિક, સાહિત્યિક પુસ્તકોનો લહાવો લે છે. સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી એટલે પુસ્તકો. પુસ્તકો એટલે ઉજ્જવળ ભવિષ્ય માટેનું પથદર્શક છે. જીવનને એક સાચી દિશા આપવા માટે પુસ્તકો ઉત્તમ મિત્ર છે. રાજપીપલા નગરપાલિકા હસ્તકની આ લાયબ્રેરીમાં ક્યારેય વાંચન સામગ્રી ખૂટતી નથી. પુસ્તક વગર માનવીનું જીવન નિર્થક બની જાય છે, એવામાં જરૂરિયાતમંદ બાળકો માટે આ લાયબ્રેરી આશિર્વાદ સમાન બની છે. 

#booklovers 

Collector Narmada Gujarat Information Jilla Panchayat Narmada CMO Gujarat Rajpipla Nagarpalika




Comments