નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન

 નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન



પહાડી વિસ્તાર સાથે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોનું પ્રમાણ પણ વધુ હોય વરસાદી સિઝનની ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવા માટે ખેડૂતોને અપાઈ રહેલું માર્ગદર્શન

------

આત્મા પ્રોજેક્ટ દ્વારા નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં કિસાન ગોષ્ઠી યોજાઈ

------

રાજપીપલા, ગુરૂવાર :- નર્મદા જિલ્લાને પ્રાકૃતિક કૃષિ માટે વિશેષ મહત્ત્વ આપતી કામગીરીની જિલ્લા ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટની કચેરીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખાતરો અને કીટનાશકોના વધતા ઉપયોગથી બચાવી, પર્યાવરણને અનુકૂળ અને તંદુરસ્ત પાક ઉત્પાદનના માર્ગે લઈ જવાનો છે. જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની રાહબરીમાં પ્રાકૃતિક કૃષિના અભિગમ અંતર્ગત વિવિધ યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવી રહ્યું છે.

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ વધારવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને ગામે ગામ જઈને કામગીરી કરી રહેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા આધુનિક પદ્ધતિથી પરિચિત કરવા માટે તાલીમ શિબિર અને માર્ગદર્શક વર્ગો સાથે પ્રત્યક્ષ નિદર્શન પણ કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ તિલકવાડા તાલુકાના વ્યાધર અને જેસીંગપુરા, ગરૂડેશ્વર તાલુકાના ગડોદ અને નાંદોદ તાલુકાના પલસી ગામે કિસાન ગોષ્ઠી પણ યોજાઈ હતી. જેમાં નિષ્ણાંતો અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના અભિગમ અંગે જાણકારી આપી પ્રાકૃતિક કૃષિ ફાર્મની પણ ખેડૂતોને મુલાકાત કરાવી હતી. 

પ્રાકૃતિક કૃષિના મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો. પ્રાકૃતિક ખાતર અને જીવામૃત: કૃષિમાં રાસાયણિક ખાતરોના બદલે પ્રાકૃતિક ખાતર, જેમકે ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત ખાતરોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે કિસાનોને માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે, જીવામૃત અને ઘનજીવામૃત જેવા પર્યાવરણપ્રિય વિકલ્પો અંગે પણ જાણકારી આપવામાં આવી રહી છે.

વરસાદ આધારિત ખેતી પાકમાં પ્રયોગ: નર્મદા જિલ્લો પહાડી વિસ્તાર ધરાવતો અને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોનું પ્રમાણ પણ વધુ ધરાવે છે ત્યારે વરસાદી સિઝનની ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન ઓછા ખર્ચે વધુ ઉપજ અને ઉચ્ચ ગુણવત્તાવાળા પાકોની ખેતી શક્ય છે. જેની પણ વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવે છે.

સફળ ખેડૂતોના ઉદાહરણો: નર્મદા જિલ્લા અને જિલ્લા બહારના એવા ખેડૂતો કે, જેઓએ આ પ્રાકૃતિક કૃષિ અપનાવીને સફળતા મેળવી છે, તેમના અનુભવો, ફાર્મની મુલાકાત અને સફળ વાર્તાઓ અન્ય ખેડૂતો સુધી પહોંચાડી નવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

પર્યાવરણીય સંરક્ષણ: કૃષિ પદ્ધતિઓમાં પરિવર્તન દ્વારા માટીની ફળદ્રુપતા અને જળ સંસાધનોનું સંરક્ષણ કરી શકાય છે. આ ઉદ્દેશ્ય સાથે જળ સંચય અને જમીન સુધારણા માટે પણ અનેક યોજનાઓ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા લાગુ કરાઈ છે.

ખેડૂતો માટેના જાગૃતિ કાર્યક્રમો: પ્રાકૃતિક કૃષિ અંગે અન્ય ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે સમયાંતરે જિલ્લામાં કૃષિ મેળાઓ, પ્રદર્શનો અને શૈક્ષણિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કૃષિ નિષ્ણાંતોની મદદથી, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે વ્યાપક માહિતી આપવામાં આવે છે.

આમ, પ્રાકૃતિક ખેતી જિલ્લાના ખેડૂતો માટેની આર્થિક સમૃદ્ધિ સાથે પર્યાવરણને પણ અનુકૂળ બની રહે છે. આ અભિયાનમાં જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો જોડાય તે માટે મિશન મોડમાં આ કામગીરી જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહી છે. 


Comments