ગરૂડેશ્વર તાલુકાની બોરિયા સ્થિત પિન્ટુ લાલા વિદ્યામંદિર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યકમ યોજાયો
સેવા સેતુ કાર્યક્રમ- નર્મદા જિલ્લો-બીજો તબક્કો
નર્મદા જિલ્લામાં તા.૧૭ મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો સેવાસેતુ કાર્યક્રમ તબક્કાવાર ૨૨મી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે
------
રાજપીપલા, શુક્રવાર :- રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને અવિરત મળતો રહે તેવા શુભ આશયથી અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા સાથે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે “સેવાસેતુ” કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. શુક્રવારે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના બોરિયા સ્થિત પિન્ટુ લાલા વિદ્યામંદિર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી માકતાભાઈ વસાવાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના માર્ગદર્શન હેઠળ ખડગદા ખાતેથી તા.૧૭ મી સપ્ટેમ્બરે આ સેવાસેતુ કાર્યક્રમના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો હતો. તેની બીજી શ્રૃંખલાના ભાગરૂપે ગરૂડેશ્વર તાલુકાના ૩૬ ગામો માટે પિન્ટુલાલા હાઈસ્કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકોને ઘર આંગણે લાભ પૂરો પાડવા માટે વિવિઘ વિભાગના અમલીકરણ અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ સ્થળ પરથી જ લાભો મેળવવા સાથે તેમના પ્રશ્નનો હકારાત્મક નિકાલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.


સેવા સેતુ કાર્યક્રમમાં સહભાગી બની સરકારશ્રીની વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મેળવનાર મોટા પીપરીયા ગામના શ્રીમતી ગૌરીબેન નારણભાઈ તડવીના દીકરા શ્રી કરણસિંગ તડવીએ ખૂશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે છેલ્લાં કેટલાંય સમયથી વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે કાર્યવાહી કરી રહ્યા હતા. પરંતુ લાભ મળી શક્યો નહોતો, અમને ગામના તલાટી મારફત ખબર પડી કે બોરિયા ગામે પિન્ટુલાલા વિદ્યામંદિરમાં સેવાસેતુ કાર્યક્રમ થવાનો છે. અમે આ સેવાસેતુ કાર્યક્રમમાં વૃદ્ધ પેન્સન યોજના માટેના જરૂરી તમામ દસ્તાવેજો લઈને આવતા અમારૂં આ કામ સરળતાથી થઈ ગયું છે. સાથે સાથે કિશાન સન્માન નિધિના લાભ માટે ઈ-કેવાયસી કરવાનું હતું તે પણ ખૂબ જ ઓછા સમયમાં ઘર આંગણે ઝડપી કામ પૂર્ણ થઈ ગયું છે.


બોરિયા ગામના જ અન્ય એક લાભાર્થી શ્રી નિતેશકુમાર જયંતિભાઈ તડવીએ જણાવ્યું કે, મારી દિકરીનો જાતિનો દાખલો મેળવવાનો હતો. અમારા ગામમાં જ સેવાસેતુ કાર્યક્રમ યોજાવાનો છે તેવી માહિતી મળતાં મેં તમામ દસ્તાવેજો ભેગા કર્યા અને આજે આ કાર્યક્રમમાં આવતાં મારું કામ ખૂબ સરળતાથી અને માત્ર અડધા કલાકના સમયમાં જ મારી દીકરીનું જાતિ પ્રમાણપત્ર તંત્ર દ્વારા કાઢી આપવામાં આવ્યું છે. તેથી જિલ્લા વહીવટી તંત્ર અને સરકારશ્રીનો આ કાર્યક્રમના આયોજન બદલ આભાર વ્યક્ત કરું છું.

પિન્ટુ લાલા વિદ્યામંદિર-બોરિયામાં ધોરણ 12માં અભ્યાસ કરતા માંડણ ગામના વિદ્યાર્થી શ્રી કાર્તિકભાઈ રમણભાઈ વસાવાએ જણાવ્યું કે, હું હોસ્ટેલમાં રહીને આ સ્કૂલમાં જ અભ્યાસ કરૂં છુ. મારે આધારકાર્ડ અને રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવવાનું બાકી હતું. આ કામગીરી માટે મારે સ્કૂલમાં રજા મૂકવી પડે તો મારા અભ્યાસને પણ અસર થાય તેમ હતું પરંતુ અમારી સ્કૂલમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો છે. જ્યાં મારું ઈ-કેવાયસી સરળતાથી થઈ ગયું છે. મારે રજા લેવાની પણ જરૂર નથી પડી. રાજ્ય સરકારશ્રીના આ ઉપક્રમથી નાગરિકોને સરળતાથી ઘર આંગણે યોજનાકીય લાભો મળી રહ્યા છે જે ખૂબ જ સારી બાબત છે.
આ કાર્યક્રમમાં સ્થળ પર આવક-જાતિના દાખલા, રાશનકાર્ડને લગતી અરજી, હેલ્થ વેલનેસ કાર્ડ, આધારકાર્ડને લગતી અરજીઓ, મા અમૃતમ-વાત્સલ્ય કાર્ડ માટે નોંધણી, 7/12 અને 8-અ ના પ્રમાણપત્રો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, કૃષિ અને પશુપાલન, સમાજકલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભોની અરજીઓની કામગીરી પણ કરવામાં આવી હતી.
બોરિયા ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી પદમભાઈ તડવી, ગામના સરપંચ શ્રીમતી સોનલબેન તડવી, નાયબ કલેક્ટર(પ્રોટોકોલ) શ્રી એન.એફ.વસાવા, ગરૂડેશ્વર મામલતદારશ્રી જે.વી.વૈષ્ણવ, તાલુકા કક્ષાએ વિવિધ યોજનાઓની અમલવારી કરતી કચેરીના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Collector Narmada Gujarat Information Jilla Panchayat Narmada
Comments
Post a Comment